હવામાન@ગુજરાત: કાતિલ ઠંડી સાથે માવઠું પણ થશે અંબાલાલ પટેલે કરી આગાહી

 
હવામાન
અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં ઠંડી થોડી ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હવામાનમાં મોટો ફેરફાર નહીં થાય તેવું જણાવ્યું છે. તો બીજી બાજુ અંબાલાલ પટેલે ગુજરાતમાં થોડા દિવસ બાદ કાતિલ ઠંડી સાથે માવઠું પણ થશે તેવી આગાહી કરી છે.હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે. બુધવારે નલિયામાં 6.4 ડિગ્રી, ડીસામાં 12.1 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને અમદાવાદ 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાના બેઇઝ ગણાતા પહલગામમાં માઇનસ ૮.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. શ્રીનગરમાં માઇનસ ૩.૫, કાઝીગંદમાં માઇનસ ૭.૫, દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં માઇનસ ૫.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.6, મહુવામાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધ્યું હોય તેવું આંકડાઓમાં દેખાઈ રહ્યું છે.અંબાલાલ પટેલે ઠંડી બાદ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે, 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.