હવામાન@ગુજરાત: ઉનાળાના આગમન વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો, હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી ઝાપટા વરસશે
વાતાવરણમાં અચાનક આવેલા ફેરફારના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉનાળાના આગમનની આહટ વચ્ચે છેલ્લા 2 દિવસથી ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે તો ગુજરાતના ઘણા ભાગોમાં ફરીથી ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો અને કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક આવેલા ફેરફારના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંતે મોટી આગાહી કરી છે. હકીકતમાં ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત સુધી લંબાયો હતો. જેના કારણે ત્રણેક દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા નોંધાયા હતા. આગામી 28 ફેબ્રુઆરી સુધી આવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત ઉપરથી પસાર થઈને હવે અરબ સાગરમાં પહોંચી ગયો છે. એટલે કે ગુજરાત ઉપર જે ભેજ હતો, તે હવે અરબ સાગરમાં આવી ગયો છે. જ્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે. જેના કારણે હજુ પણ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે-સાથે છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. અત્યાર સુધી ગુજરાતના દરિયા કાંઠાના ભાગોમાં માવઠાની તીવ્રતા ખૂબ જ ઓછી હતી. ગુજરાત ઉપરનો ભેજ હવે અરબ સાગરમાં આગળ નીકળી ગયો હોવાથી આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે અસર કરતો રહેશે. આગામી બે ત્રણ દિવસ સુધી સાર્વત્રિક ઝાપટા નહીં પડે. આ સાથે જ ઝાપટાની તીવ્રતા અને વિસ્તારમાં પણ આવતીકાલથી ક્રમશઃ ઘટાડો થતો જશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે.

