હવામાન@ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, એક શક્તિશાળી 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (પશ્ચિમી વિક્ષેપ) ઉત્તર ભારત તરફ સક્રિય થયો છે, જેની સીધી અસર દેશના વિવિધ રાજ્યોના હવામાન પર જોવા મળશે. આ સિસ્ટમને કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડશે અને લોકોને ચાલુ ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે.22 અને 23 મેના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે.
આજથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.23મી મેના રોજ ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

