હવામાન@ગુજરાત: અસહ્ય ગરમીની અપેક્ષા વચ્ચે રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, કયા જિલ્લાઓમાં વરસાદ પડશે? જાણો

 
વરસાદ
બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તર ભારત અને પડોશી રાજ્યોમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે.દેશના 15 જેટલા રાજ્યોમાં હાલ પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણી પવનોની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનથી બિહાર સુધીના પટ્ટામાં વીજળીના કડાકા અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચની રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની સીધી અસર નીચે મુજબના જિલ્લાઓમાં જોવા મળશે.બનાસકાંઠા અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માં હળવા વરસાદની સંભાવના છે.આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો નોંધાઈ શકે છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 30થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને 70 કિમી સુધી પણ પહોંચી શકે છે. ખરાબ હવામાનની આશંકાને પગલે 29 માર્ચના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.