હવામાન@ગુજરાત: ઉનાળાના આકરા તાપ વચ્ચે વાતાવરણમાં મોટા પલટાની શક્યતા, વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી

 
વાવાઝોડું
40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ સાથે જ તેજ પવન અને વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.આ દિવસો દરમિયાન રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. અંદાજે 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

 

આ સાથે જ કેટલીક જગ્યાએ હળવો વરસાદ અથવા કરા પડી શકે છે, જે ખેતીના પાક માટે ચિંતાનો વિષય બની શકે છે. રાજ્યના અલગ-અલગ ભાગોમાં નીચે મુજબની અસર જોવા મળી શકે છે. પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેજ પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ અથવા વાવાઝોડું જોવા મળી શકે છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે.

 

વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણને કારણે થોડા દિવસો તાપમાનમાં ઘટાડો નોંધાશે. આ રાહત લાંબો સમય ટકશે નહીં. 11 મે બાદ ફરી એકવાર ગરમીમાં વધારો થવાની સંભાવના છે, જે જૂન મહિનાની શરૂઆત સુધી યથાવત રહી શકે છે. તેજ પવન અને વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.