હવામાન@ગુજરાત: 11.4°C સાથે અમરેલી સૌથી ઠંડું, 7 શહેરોમાં પારો 15°C થી નીચે

 
હવામાન
રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે.જ્યારે નલિયા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને પોરબંદર સહિત સાત શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યું હતું.હવામાન નિષ્ણાતોના મતે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતના ઠંડા વિસ્તારો તરફથી ફૂંકાતા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. પવનની દિશામાં આવેલા ફેરફાર અને વાતાવરણની સ્થિતિને પગલે નવેમ્બરના પ્રારંભની સરખામણીએ રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાની અસર ખાસ કરીને વહેલી સવાર અને મોડી રાત્રે વધુ અનુભવાઈ રહી છે. અમરેલીમાં નોંધાયેલું 11.4 ડિગ્રી તાપમાન રાજ્યમાં સૌથી નીચું રહ્યું હતું. ગાંધીનગરમાં પણ પારો 12 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ચાલુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. શહેરનું મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી ઓછું હતું.

આગામી એક સપ્તાહ દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે શહેરમાં હાલની સરખામણીએ ઠંડીનું પ્રમાણ થોડું ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં તબક્કાવાર આશરે 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તેના કારણે ઠંડીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં થનારા ફેરફાર પર સૌની નજર રહેશે.