હવામાન@ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ, 3 દિવસ બાદ ઠંડીમાં ફરી થશે વધારો
![આગાહી](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/d4faffae0df7f65f33b338bb8e933332.jpg)
9 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે મુજબ રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. આગામી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થશે અને ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. અત્રે જણાવીએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે.રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે ઠંડીની લોકોને આંશિક રાહત આપતી આગાહી સામે આવી છે.
આજે 9 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ડીસામાં 12.4 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અન્ય શહેરોમાં 12થી 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનના લીધે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. આગામી 3 દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં ઠંડી ચમકારો જોવા મળ્યો છે, જેના પગલે ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.