હવામાન@ગુજરાત: ભારે વરસાદ લાવતું અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું, ખેડૂતોના જીવ અદ્ધર

 
વાવાઝોડું
ખેડૂતોની આશા પર પાણી ફરી વળે તેવું સંકટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને ધમરોળી રહ્યો છે. બીજી તરફ વધુ એક સંકટ ગુજરાત પર મંડરાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પર આફતના વાદળો ઘેરાયા છે. ભારે વરસાદ લાવતું અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું છે. જેને લઈ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.ભારે વરસાદથી તૈયાર પાકોનું ધનોતપનોત થઈ ગયું છે ત્યારે થોડોઘણો પાક હાથમાં આવે તેવી ખેડૂતોની આશા પર પાણી ફરી વળે તેવું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે.

ગુજરાતમાં મૂશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વે-મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે. આ ડિપ્રેશન સોમવારે વેરાવળથી 570 કિમીના અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મુજબ તે 480 કિમી દૂર હતું. એક દિવસમાં આશરે 100 કિમી નજીક આવ્યું છે. વળી, આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે સામાન્ય માવઠાં વરસાવે છે તે પણ સક્રિય છે.

આમ ગુજરાતમાં માવઠાંની માઠી દશા હજુ યથાવત રહેશે.ડિપ્રેશન મંગળવારે ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર ભણી કલાકના 7 કિમીની ઝડપે આગળ વધ્યું હતું અને આ જ દિશામાં આગળ વધવાનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત કેટલાક મોડેલો અનુસાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે.ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ડિપ્રેશન લાવનાર અરબી સમુદ્રનું ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકેલું વાવાઝોડું કે જેનું નામકરણ મોન્થા થયું છે તેના વચ્ચે બહુ ફરક નથી. ડિપ્રેશન એ લો પ્રેશરમાંથી જન્મતી વરસાદી સિસ્ટમ છે જેમાં ગોળગોળ ઘુમતા પવનની ચક્રાકાર ગતિ 63 કિમીથી ઓછી હોય છે અને ગતિ આથી વધે તો તેને વાવાઝોડાનુ નામ અપાય છે.