હવામાન@ગુજરાત: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની અછત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની અછત હજુ પણ જોવા મળી રહી છે.આ વિસ્તારમાં સામાન્યની સરખામણીએ આશરે 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદ પડવાથી આ ઘટમાં થોડો ઘટાડો થવાની આશા છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે રાજ્યના હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી એક સપ્તાહમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મોટી હવામાન સિસ્ટમ સક્રિય થવાના સંકેતો નથી. જેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા ઓછી છે. તેમ છતાં, સ્થાનિક હવામાન પરિસ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી લઈને હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયાઈ પ્રવૃત્તિ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી શકે છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં લગભગ 7 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સરખું રહ્યું નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાતા અહીં વરસાદની અછત યથાવત છે.
રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. આગામી દિવસોમાં જો આ વિસ્તારોમાં સારો વરસાદ થાય તો વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને ખેડૂતોને પણ રાહત મળવાની શક્યતા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. વરસાદના વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની પુનઃ એન્ટ્રી થાય તેવી આશા સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા વધી છે.

