હવામાન@ગુજરાત: આગામી દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી, અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો

 
ઠંડી
17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરુઆત થઈ રહી છે. કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાંની સાથે ઠંડી પડવા લાગી છે. નવેમ્બરના 15 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરુ થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે. જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

હવામાન વિભાગ અનુસાર અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રૅકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી શક્યતા છે. જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીંવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે.