હવામાન@ગુજરાત: આગામી 3 દિવસ પડશે હાડ થીજાવતી ઠંડી, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઠંડીનું જોર હજુ વધશે અને લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. કચ્છનું નલિયા ફરી એકવાર ઠંડીમાં રાજ્યમાં મોખરે રહ્યું છે. અહીં પારો ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન ઠૂંઠવાયું છે. સૌરાષ્ટ્રમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાજકોટ 9.4 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે.
હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે રહેશે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે ઉત્તર-પૂર્વીય પવનોની ગતિ વધવાને કારણે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનશે. બપોરના સમયે આકાશ ચોખ્ખું રહેશે પરંતુ ઠંડા પવનોના કારણે વાતાવરણમાં ઠંડક જળવાઈ રહેશે.કમોસમી વરસાદની ચિંતા કરી રહેલા ખેડૂતો માટે રાહતની વાત એ છે કે, આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે, જેનાથી રવિ પાકને કોઈ નુકસાન થવાની ભીતિ નથી.હવામાન વિભાગ અને આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા અને ખાસ કરીને વૃદ્ધો તથા બાળકોને વહેલી સવારે ઠંડા પવનથી બચવા સલાહ આપી છે.

