હવામાન@ગુજરાત: આગામી દિવસોમાં ઠંડીના ચમકારાની વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા

 
Havaman
ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ઠંડી જોર પકડી શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હવે ધીમે ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું છે, જેના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના નવા અનુમાન મુજબ, આગામી દિવસોમાં ઠંડીના ચમકારાની વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠાની સંભાવના પણ સેવાઈ રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે હળવા વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં 17થી 19 ઓક્ટોબરના રોજ માવઠાનો વધુ પ્રભાવ જોવા મળી શકે છે. હાલમાં રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10 ડિગ્રી જેટલો મોટો તફાવત રહેતા લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે.લઘુતમ તાપમાન આગામી બે દિવસ સુધી લગભગ યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લઘુતમ તાપમાન લગભગ 5 ડિગ્રી જેટલું નીચું નોંધાઈ રહ્યું છે, જે શિયાળાનું વહેલું આગમન સૂચવે છે. ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ઠંડી જોર પકડી શકે છે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 સુધી શિયાળો ઠંડો રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ખાસ કરીને પ્રભાવિત થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ શિયાળામાં તાપમાન સામાન્ય કરતા 0.5-1 ડિગ્રી ઓછું રહેશે. હાલમાં જે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, તે મુખ્યત્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે.