હવામાન@ગુજરાત: પવનની દિશા બદલાતા કમોસમી વરસાદની સંભાવના નહિવત, ઠંડીનો ચમકારો અનુભવાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અનિયમિત વરસાદનો દોર હવે સમાપ્ત થવાના આરે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના લગભગ નહિવત્ રહેશે. પવનની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર આવશે, જેના કારણે રાજ્યમાં ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જે ઠંડીના આગમનનો સંકેત આપે છે.હવામાન વિભાગે હવે રાજ્યમાં બેવડી ઋતુની આગાહી કરી છે.
રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. પવનોની દિશા બદલાતા હવે વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની શક્યતાઓ નહિવત્ છે.સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં વરસાદે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે, તેની સામે આ વખતે 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ઓક્ટોબર મહિનામાં કુલ 94 MM વરસાદ નોંધાયો છે. હવે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે અને એકથી બે દિવસની અંદર ચોમાસું વિદાય લઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના વિસ્તારોમાં એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે. આ સિસ્ટમ્સના કારણે આગામી સમયમાં ઠંડા પવનનું જોર વધશે.

