હવામાન@ગુજરાત: ઉનાળાની ગરમી વચ્ચે ફરી વાદળો ઘેરાશે, આગામી 7 દિવસ અનેક જિલ્લાઓમાં પડશે વરસાદ

 
વરસાદ
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે-સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંતો મુજબ, ઉપરના હવાઈ સ્તરે સાયક્લોનિક પ્રવાહ સક્રિય બનતાં આ અનોખું હવામાન સર્જાયું છે.પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે. 

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદના એંધાણ છે. મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લાઓમાં પણ માવઠાં સાથે વરસાદ પડી શકે છે.

વરસાદની આ આગાહીથી ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે હાલની મોસમમાં ખેતી માટે યોગ્ય સમયે પાણીની જરૂરિયાત ન હોય ત્યારે આવી પરિસ્થિતિ નુકસાનદાયક સાબિત થઈ શકે છે.હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ચોમાસું દેશમાં નિર્ધારિત સમય પહેલાં જ શરૂ થયું છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું પહેલું પગથિયું પહેલા જ પહોંચી ગયું છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે 27 મે સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશ કરી જશે અને તે આધારે ગુજરાતમાં પણ ચોમાસું પહેલા આવી શકે છે.