હવામાન@ગુજરાત: 13થી 17 ઓક્ટોબર વાદળછાયુ વાતવરણ રહેશે, નવેમ્બરથી કડકડતી ઠંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સહિત દેશભરના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે.નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (11 ઓક્ટોબર) રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે અને આવતીકાલે હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઓક્ટોબર મહિનાના મધ્યથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જે દિવાળીના તહેવારોની ઉજવણીને અસર કરી શકે છે. 13 થી 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 30 ઓક્ટોબરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર (હળવા દબાણ) સર્જાઈ શકે છે. 18 થી 21 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે. આ સમુદ્રીય પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારો થશે અને ગુજરાતમાં માવઠું (અનિયમિત વરસાદ) થવાની શક્યતા છે. આ આગાહી મુજબ, બેસતા વર્ષના દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
ઓક્ટોબરના અંતથી જ ઠંડીની શરૂઆત થઈ જશે અને નવેમ્બર-ડિસેમ્બરમાં ઠંડી જોર પકડશે. 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે. આ નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું મોજું દેશના મેદાની વિસ્તારોમાં પણ પહોંચશે. વળી નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત (વાવાઝોડું) સર્જાવાની શક્યતા રહેલી છે.23 થી 26 નવેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતો પર હિમવર્ષા થતાં ગુજરાત તરફ ઠંડા પવનો ફૂંકાશે.