હવામાન@ગુજરાત: બે દિવસથી ઠંડીનું જોર વધ્યું, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડું શહેર
માઉન્ટ આબુ 0 ડિગ્રીએ થીજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે છેલ્લા બે દિવસથી શિયાળાની ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સુધી ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચો રહ્યો છે.કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી (સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું) અને પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાતાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ તાપમાનનો પારો નીચે ઊતર્યો છે. રાજકોટમાં 13.2 ડિગ્રી (સામાન્ય કરતાં 4.7 ડિગ્રી નીચું), વડોદરામાં 13.4 ડિગ્રી અને પોરબંદરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી (સામાન્ય કરતાં 0.7 ડિગ્રી નીચું) અને સુરતમાં 16.6 ડિગ્રી (સામાન્ય કરતાં 2.9 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન રહેતાં શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
ગુજરાતના પાડોશી હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન હિમબિંદુ એટલે કે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું છે. ઠંડા પવનોને કારણે સવાર-સાંજ ઠંડીમાં નોંધપાત્ર વધારો થતાં લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં આકાશ સ્વચ્છ રહેશે અને ઠંડીનું જોર યથાવત રહેશે.હવામાન અધિકારી એ.ટી. દેસાઈના જણાવ્યા અનુસાર, ઉત્તર દિશાના નીચલા સ્તરના ઠંડા પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી છે, જેની પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે.હાલ ગુજરાત તરફ નીચલા સ્તરે ઉત્તર-પૂર્વ દિશામાંથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને સાંજે માત્ર 28 ટકા રહ્યું હતું અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયેલું 'અકવાન' વાવાઝોડું હવે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જ્યારે બીજી તરફ ઉત્તર ભારતમાં એક 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થયું છે. આ બંને સિસ્ટમને લીધે પવનોની દિશા બદલાઈ છે અને ગુજરાતમાં ઠંડા પવનોની ગતિ તેજ બનતાં ઠંડી વધી છે.

