હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનું જોર વધુ વધવાની સંભાવના, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો
ડીસામાં સૌથી નીચું 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં રાજ્યમાં ઠંડીનું જોર વધુ વધવાની સંભાવના છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારોને કારણે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડકનો અહેસાસ થશે.હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ અસરના ભાગરૂપે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં સૌથી નીચું તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે.
પ્રમુખ શહેરો એવા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઘટીને આશરે 19 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફ રહેવાની સંભાવના છે, જેના કારણે ઠંડા પવનો ફુંકાવાથી ઠંડીનો ચમકારો અનુભવાશે. જો કે, આ ઠંડીનો દોર લાંબા સમય સુધી યથાવત નહીં રહે. માત્ર 2 દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે અને તાપમાનમાં ફરીથી થોડો વધારો નોંધાઈ શકે છે, જેથી મિશ્ર હવામાનનો અનુભવ થશે.

