હવામાન@ગુજરાત: પવનોની દિશા બદલાતા ઠંડીનો ચમકારો તેજ, અમરેલી અને વડોદરા બન્યા સૌથી ઠંડા શહેર

 
હવામાન
રાજ્યમાં અત્યારે 'બેવડી ઋતુ' જેવો માહોલ જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં પવનોની દિશા બદલાતા ઠંડીનો ચમકારો તેજ બન્યો છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 24 કલાકમાં પારો હજુ નીચે જઈ શકે છે, જેના કારણે રાત્રિ અને વહેલી સવારની ઠંડીમાં વધારો થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલી અને વડોદરામાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પવનોની ગતિ અને બદલાયેલી દિશાને કારણે લોકો ઠુંઠવાયા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે રાજ્યમાં અત્યારે 'બેવડી ઋતુ' જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે.અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું જોર યથાવત છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં આ શહેરોમાં પારો 15થી 16 ડિગ્રીની આસપાસ રહેશે. હાલમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમ બાદ ઠંડીનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેના પર નિષ્ણાતો નજર રાખી રહ્યા છે.

ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ માટે તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. સીકરમાં પારો 7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાજગઢમાં પણ લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. પેંડરામાં તાપમાન ગગડીને 9 ડિગ્રી થઈ જતાં એલર્ટ જાહેર કરાયું છે.