હવામાન@ગુજરાત: અમરેલી- નલિયામાં ઠંડીનો ચમકારો, આગામી 16થી 20 ઓક્ટોબર હળવા વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 16થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 16મીએ ડાંગ, તાપી, નવસારી વલસાડમાં વરસાદની સંભાવના છે.
17થી 20 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દિવાળીના તહેવારો વખતે પણ વરસાદની સંભાવનાથી લોકોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન ગુજરાતને દ્વારે શિયાળો પણ ટકોરા મારી રહ્યો છે. ગત રાત્રિએ 17.6 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. બીજી તરફ નલિયામાં 18.5 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. અમદાવાદમાં 21.1 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રી હતું.