હવામાન@ગુજરાત: ઠંડીનો ચમકારો વધતા તાપમાનનો પારો નીચે ગગડ્યો, વડોદરા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

 
Aagahi
7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ શરુ થઈ ગયો છે, આવામાં આગામી દિવસોમાં તાપમાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગે હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીની શરુઆત થઈ ગઈ છે જ્યાં પારો અચાનક ઘટી રહ્યો છે. રાજ્ય માટે પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે.

લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગુજરાતમાં સૌથી ઠંડું શહેર વડોદરા રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે, પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં સામાન્ય ઠંડક થઈ છે, એસીના ઉપયોગમાં ઘટાડો થયો છે, પરંતુ ડિસેમ્બર શરુ થવા આવ્યો તેમ છતાં જોઈએ તેટલો તાપમાનમાં ઘટાડો થયો નથી.