હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત, 48 કલાક પછી ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે

 
Aagahi
દિલ્લી-NCRમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં 5.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ત્યારે જો તમે પણ કાતિલ ઠંડી અનુભવી રહ્યા છો તો આ આગાહી ખાસ જાણી લેવી. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં હાલ ક્યાંય ઠંડી ઓછી થવાના અણસાર નથી. ઉપરથી આગામી 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ અતિ વધી જશે.હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અંગે વધુ એક આગાહી કરી છે. આગામી 48 કલાક પછી ગુજરાતમાં ઠંડીનો વધુ ચમકારો અનુભવાશે. 

ઉત્તરાયણના દિવસે પવનની સ્પીડ પ્રતિ કલાક પાંચથી 10 કિલોમીટરની મીડિયમ સ્પીડ રહેશે. તો વાસી ઉત્તરાયણના દિવસે પણ મીડિયમ પવન ફૂંકાશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે પણ કાતિલ ઠંડીની ગુજરાત માટે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. 48 કલાક બાદ તાપમાનમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલા તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. 10મી તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે તાપમાન ઊંચુ જોવા મળશે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

10 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પવન સાથે વરસાદની અપેક્ષા છે.ઉત્તર ભારતમાં માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. દિલ્લી-NCRમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ગઈ છે. ભારે ધુમ્મસના કારણે કંઈ ન દેખાતા વાહનચાલકો પરેશાન થયા છે.