હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનો કહેર, નલિયાનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં શિયાળાની શરૂઆત તો ક્યારની થઈ ચૂકી છે. પરંતુ જોઇએ તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી. હવામાન વિભાગ તરફથી દેશના 10 રાજ્યમાં ખૂબ જ ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 7 દિવસ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. નલિયાનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે.
રાજ્યમાં ઉત્તર પૂર્વ -પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્યથી નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આગામી 17 ડિસેમ્બર સુધી રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થશે નહીં. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ છે. પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિકલાક રહેશે.ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નહીં. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી સામાન્ય સુધી નોંધપાત્ર નીચે રહ્યું છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર નીચે, બાકીના પ્રદેશમાં સામાન્ય રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પહાડી વિસ્તારોમાં પાણી થીજી ગયું છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ધુમ્મસના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે આજે 12 ડિસેમ્બરે ભારે ચેતવણી જારી કરી છે.

