હવામાન@ગુજરાત: ઉત્તર તરફના પવનો ફૂંકાતા ઠંડીનું મોજું, 21 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ઉત્તર તરફના પવનો ફૂંકાતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા 10.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના, ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રેકોર્ડ બ્રેક ઠંડી.ગુજરાત રાજ્યભરમાં ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ધ્રૂજી ઊઠ્યા હતા.રાજ્યના કુલ 21 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.
કચ્છનું નલિયા 10.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, પરંતુ આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. આગામી 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધી શકે છે, જેના કારણે આવતીકાલથી મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું જોર થોડું ઘટશે. આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.વધતી-ઘટતી ઠંડી અને તાપમાનના ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઈ છે.ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે.

