હવામાન@ગુજરાત: પવનોની દિશા બદલાતા ફરી ઠંડીએ જોર પકડ્યું, સૌથી ઠંડુ શહેર બન્યું નલિયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં પવનોની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાનું શરૂ થતા તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. હાલમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. કચ્છનું નલિયા 10.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે બપોરે ગરમીનો અહેસાસ થાય છે.
અમદાવાદમાં 25 ડિસેમ્બરે મહત્તમ તાપમાન વધીને 32.08 ડિગ્રી નોંધાયું હતું. જોકે, ઉત્તરના પવનો ફૂંકાતા હવે રાત્રિના તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 39 ટકા થઈ ગયું છે. જે ઠંડી વધવા માટે સાનુકૂળ સંજોગો પેદા કરી રહ્યું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, પવનોની ગતિ અને દિશા જોતા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ભૂતકાળમાં આગાહી છતાં ઠંડી ગાયબ રહેવાના કિસ્સા બન્યા હોવાથી શહેરીજનોમાં ઠંડીના આગમન અંગે શંકા-કુશંકાઓ પણ જોવા મળી રહી છે. અત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

