હવામાન@ગુજરાત: ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને લીધે ઠંડી વધી, કયા શહેરમાં સૌથી નીચું તાપમાન? જાણો

 
હવામાન
8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને લીધે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગયો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી રહ્યું છે. સવારના સમયે અમદાવાદ શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.નલિયામાં 7 ડિગ્રી અને રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા ભુજમાં 11, ગાંધીનગર અને દાહોદમાં 12 ડિગ્રી ઠંડીનો પારો તેમજ વડોદરા, ભાવનગર અને સુરતમાં તાપમાન 15 ડિગ્રી જોવા મળ્યું છે.

હાલમાં સર્જાયેલું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં તેમજ હિમાલય તરફથી ઠંડા પવનોનું જોર વધવાથી સોમવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ઠંડા પવનનું જોર વધ્યું હતું. જેને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. આગામી 5 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી થઈ પડતી હોય છે. પરંતુ આ વખતે લા-નીનોની અસરથી ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી પડી ન હતી.  હિમાલય તરફના ઠંડા પવનો શરૂ થતાં છેલ્લાં બેથી ત્રણ દિવસમાં અમદાવાદના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશ ઘટાડો થયો છે. તેમાંય સોમવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયું હતું.