હવામાન@ગુજરાત: ઠંડીનું જોર વધ્યું, માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું 0 ડિગ્રી તાપમાન

 
આગાહી
અન્ય સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 8 શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી નલિયા અને દાહોદમાં 10.8 ડિગ્રી નોંધાઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.જ્યારે સોમવારે રાત્રે ગુજરાતના અન્ય સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં અમરેલી, વડોદરા, ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 20મી તારીખ બાદ ઠંડીના જોરમાં સાધારણ ઘટાડો થઈ શકે છે. ત્યાં સુધી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. સોમવારે દિવસ દરમિયાન 29.7 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય ભાગોમાં વધેલી ઠંડી અને ત્યાંથી ફૂંકાતા પવનોની ગતિ જળવાઈ રહેવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.