હવામાન@ગુજરાત: આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે, જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજયમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે સાથે-સાથે આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
પૂર્વથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. ગાંધીનગરમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી, અમદાવાદમાં 15.4 ડિગ્રી, ડીસામાં 14.1 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી, ભુજમાં 14.8 ડિગ્રી,પોરબંદરમાં 15 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, કંડલામાં 15.7 ડિગ્રી, અમરેલીમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.
આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે અને પવનો પણ ફૂંકાશે. પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે.
આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.