હવામાન@ગુજરાત: ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધશે, નલિયામાં સૌથી ઓછું તાપમાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજી જળવાઈ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ રહે તેવી શક્યતા છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 12.0∘C નોંધાયું છે. આજથી 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઠંડીનું જોર વધુ રહેશે.
7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસરમાં મોટો વધારો થશે અને ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂક્કા બોલાવી શકે છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે. તાપમાનમાં આ ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ માટે તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10∘Cથી નીચું ગયું છે. જેમાં સીકર (રાજસ્થાન) અને રાજગઢ (મધ્યપ્રદેશ)માં સૌથી ઓછું 7∘C તાપમાન નોંધાયું છે.

