હવામાન@ગુજરાત: 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે, જાણો આગાહી

 
Havaman
આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આગામી 3-4 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી ગગડતાં ઠંડી વધશે, તમિલનાડુમાં રાહત અને બચાવ કાર્ય માટે વડોદરાથી NDRFની ટીમો રવાના કરાઈ. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદછાયું વાતાવરણ રહેશે અને સવાર ધુમ્મસ રહે તેવી શક્યતા છે. આગામી 3થી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો કે આગામી દિવસોમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ 'Ditwah' ચક્રવાત હવે ભારતની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. આ વાવાઝોડું તમિલનાડુના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું છે, જેની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં જોવા મળશે. આ ત્રણેય રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી છે. 'Ditwah' ચક્રવાતના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે.

રાજ્યભરમાં 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ જિલ્લાઓમાં 6,000 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 6ઠ્ઠી બટાલિયનની પાંચ ટીમોને ગુજરાતના વડોદરાથી ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમો FWR અને CSSR સાધનોથી સજ્જ છે અને રાહત-બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.ચક્રવાત 'Ditwah'એ પડોશી શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યો છે, જ્યાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 153 લોકોના મોત થયા છે અને લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે. ચેન્નાઈ એરપોર્ટે શનિવારે 54 ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવાર માટે વધુ 47 ફ્લાઇટ્સ (36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય) રદ કરવાની જાહેરાત કરી છે.