હવામાન@ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાવવાની આગાહી, 48 કલાક બાદ ફરી તાપમાનનો પારો વધશે

ભારે પવન, મેઘ ગર્જના અને માવઠાની આગાહી કરવામાં આવી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની આગાહી છે. 48 કલાક બાદ ફરી તાપમાનનો પારો વધશે. અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ મહિનાના અંત અને એપ્રિલ મહિનાની શરૂઆત ગુજરાત માટે ખુબ જ ભારે રહી શકે છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી છે કે તારીખ 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમીની શક્યતાઓ છે. ભારે પવન, મેઘ ગર્જના અને માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં પવન ફૂંકાશે. દરિયા કિનારના વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સિઝનની પ્રથમ સાઈક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી છે. જેના કારણે ગુજરાતના વાતારવણમાં પલટો જોવા મળી શકે છે.
આગામી 72 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. 31 માર્ચથી લઇને પાંચ એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની અસર રહેશે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી માવઠાની અસર જોવા મળી શકે છે. એપ્રિલની શરૂઆતમાં જ આકાશી આફત ત્રાટકી શકે છે. હાલ તો સામાન્ય વરસાદની જ આગાહી છે.