હવામાન@ગુજરાત: આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ, નલિયામાં 7 ડિગ્રી, નગરજનો ધ્રુજ્યા
અટલ સમાચાર સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે શિયાળાનો અસલી રંગ દેખાયો હતો અને શિત લહેરો તથા ઝાકળ વચ્ચે તાપમાન 2 થી 5 ડિગ્રી ગગડતા લોકોએ કડકડતી ઠંડી અનુભવી હતી. ખાસ કરીને રાજકોટ શહેરમાં ડિસેમ્બર માસ ગરમ રહ્યા બાદ આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજે સવારે ઝાકળ અને 6 કિ.મી.ની ઝડપે બર્ફીલા પવન વચ્ચે લઘુતમ તાપમાન સિંગલ ડિઝીટમાં 9.4 ડિગ્રી નોંધાતા નગરજનો ધ્રુજી ગયા હતા. રાજયની સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 7 ડિગ્રી નોંધાઇ હતી.
આજે રાજયમાં સૌથી વધુ ઠંડા શહેરો રાજકોટ અને નલિયા રહ્યા હતા. આ બંને શહેરોમાં આજે સવારે હવામાં ભેજ પણ 92 ટકા રહેતા સવારે ધુમ્મસ છવાયુ હતું. આજે અનેક સ્થળે ઝાકળ અને ઠંડા પવન વચ્ચે તીવ્ર ઠંડી અનુભવાતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા હતા. તો ઠેર ઠેર તાપણા પણ નજરે પડયા હતા. ખાસ કરીને જુનાગઢનાં ગિરનાર પર્વત ઉપર 5.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સહેલાણીઓ ઠુંઠવાયા હતા. જયારે ભુજ અને પોરબંદર ખાતે પણ તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. પોરબંદરમાં સવારે 11.4 અને ભુજમાં પણ 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ અમદાવાદમાં સવારે વડોદરામાં 15, દમણમાં 17, ડિસામાં 11.8, દિવમાં 15.8, દ્વારકામાં 15.1, ગાંધીનગરમાં 12.8, કંડલામાં 13, ઓખામાં 18.2, તેમજ વેરાવળ ખાતે 15.8 અને સુરતમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ આજે પોષ સુદ પુનમના ઠંડીનો પારો સીઝનનો સૌથી વધુ ઠંડીનો દિવસ નોંધાયો છે. એકાએક ઠંડીનો પારો નીચે જતા 10.7 ડિગ્રીએ નોંધાતા લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો.જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ પારો 11.6 નીચે નોંધાયો હતો જે ઘટીને 10.7 ડિગ્રીએ નીચે ઉતરી જવા પામ્યો હતો. ગિરનાર પર્વત ઉપર પારો 5.7 ડિગ્રીએ નીચે નોંધાતાની સાથે પવનની ગતિ પ્રતિ કલાક 5.1 કિલોમીટર નોંધાઇ છે. વાતાવરણમાં ભેજ વધીને 81 ટકા નોંધાયો છે. ભાવનગરમાં આજે સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. લઘુતમ તાપમાન પણ ગગડીને 14 ડિગ્રી એ પહોંચતા ઠંડીની તીવ્રતા વધી છે. ગોહિલવાડ પંથકમાં આજે શનિવારે ઠંડો પવન રહ્યો છે. આજે સવારે 12 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 82% હતું. લઘુતમ તાપમાન પણ ગગડીને 14.0 ડિગ્રી નોંધાયું છે.

