હવામાન@ગુજરાત: ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ, 8 જિલ્લામાં આગામી ચાર દિવસ ઓરેન્જ એલર્ટ
સાપુતરામા સૌથી વધું અઢી ઇંચ વરસાદ નોંધાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં આગામી ચાર દિવસ 8 જિલ્લામાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જ્યારે અન્યત્ર યલો એલર્ટ જાહેર કરાઇ છે. દરમિયાન મંગળવારે ડાંગ જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. ગત 24 કલાકમાં સાપુતારામાં 2.56 ઇંચ, વઘઇમાં 1.7 ઇંચ, આહવામાં 1 ઇંચ અને સુબીરમાં 0.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સાપુતારામાં રાત્રે 8 થી 10ના સમયગાળા દરમિયાન બે કલાકમાં 1.72 ઇંચ, વઘઇમાં રાત્રે 12 થી 2ના બે કલાકમાં 1.56 ઇંચ અને આહવામાં 10 થી 12ના બે કલાક દરમિયાન 0.84 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત પંચમહાલના ગોધરા, ઝાલોદ, શહેરામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન વલસાડમાં સૌથી વઘુ 1 ઈંચ જ્યારે નવસારીના ચીખલી, વડોદરા શહેર, અમરેલીના લિલિયા, મહેસાણાના વિજાપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. મંગળવરે કુલ 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં રાજ્યમાં સરેરાશ 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 126 તાલુકામાં 40 ઈંચથી વઘુ વરસાદનો સમાવેશ થાય છે.
25 સપ્ટેમ્બરે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.26 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 27 સપ્ટેમ્બરે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગરમાં આગાહી કરવામા આવી છે અને 28 સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડવાની સંભાવના છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલ ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહી છે. ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજૂ 38 સેમીનું લેવલ બાકી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 78,301 કયુસેક થઇ રહી છે. ચોમાસાનું ચાલુ સિઝનમાં સંપૂર્ણ સપાટી 138.68 મીટર છે. હાલ ઉપરવાસથી આવક ચાલુ રહેતા નર્મદા નદીમાં કુલ 91,919 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે.