હવામાન@ગુજરાત: નવેમ્બરમાં પ્રથમ સપ્તાહ પૂરું થયું હોવા છતાં ઠંડીનો ચમકારો ગાયબ, રાજકોટ સૌથી વધુ ગરમ

 
Tapaman
14 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ તબક્કાવાર વધવા લાગશે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવેમ્બર મહિનો આવતાની સાથે જ ફૂલગુલાબી ઠંડીનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. આ વર્ષે નવેમ્બરમાં પ્રથમ સપ્તાહ પૂરું થયું હોવા છતાં ઠંડીનો ચમકારો ગાયબ છે અને દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ પડી રહ્યો છે. બુધવારે રાત્રિએ અમદાવાદમાં 21.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેની સરખામણીએ ગત  વર્ષે 7 નવેમ્બરમાં 19.4 ડિગ્રી સાથે ઠંડીના ચમકારાનો પ્રારંભ પણ થઇ ગયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 13 નવેમ્બર સુધી સરેરાશ લધુતમ તાપમાનનો પારો 21થી 23 ડિગ્રીની આસપાસ જ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર 14 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ તબક્કાવાર વધવા લાગશે. ગુરૂવારે અમદાવાદમાં 36.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હજુ આગામી 13 નવેમ્બર સુધી તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ રહેશે. રાજ્યમાંથી અન્યત્ર ગુરૂવારે દિવસ દરમિયાન ભાવનગરમાં 35.6, સુરતમાં 35.8,  વડોદરામાં 36.4, ભુજમાં 38.3, રાજકોટમાં 38.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.