હવામાન@ગુજરાત: 20 માર્ચથી ભારે ગરમી પડવાની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી

એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી તારીખ 21થી 23 માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીમાં વધારો થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તામપાન 39થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પારો 39થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં મહત્તમ તામપાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે. જેના પગલે રાજ્યના અમુક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 19 એપ્રિલ બાદ રાજ્ય રાજ્યમાં ગરમીનો વધારો થઇ શકે છે. એપ્રિલ મહિનામાં અવાર-નવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. મે મહિનામાં 10 તારીખની આસપાસ દરિયા કિનારે ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે. પવન સાથે ભારે આંધી વંટોળની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પવન અને વંટોળ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે. એપ્રિલ મહિનામાં હવામાનમાં પરિવર્તન જોવા મળી શકે છે. 14 એપ્રિલ બાદ પવનો ફૂંકાઈ શકે છે.