હવામાન@ગુજરાત: અંબાલાલ પટેલની મોટી આગાહીથી ખેડૂતોની ચિંતા વધી, કડાકા ભડાકા સાથે પડશે વરસાદ
અમરેલી, દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 3 નવેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર અને જામનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. અમરેલી, દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા છે. રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, 3 નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી હવામાન સિસ્ટમ સક્રિય થઈ શકે છે. ત્યારબાદ 6થી 9 નવેમ્બર દરમિયાન વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. 12, 13 અને 14 નવેમ્બરે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે માવઠું થઈ શકે છે. 16 નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ વધુ મજબૂત બને તો 18થી 22 નવેમ્બર દરમિયાન વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની હલચલને કારણે ગુજરાતના હવામાનમાં વારંવાર ફેરફાર થઈ શકે છે.એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ સંભવિત વાવાઝોડાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. આ લાંબા ગાળાના અનુમાનો છે અને વાસ્તવિક સ્થિતિ માટે હવામાન વિભાગની તાજી આગાહી પર નજર રાખવી જરૂરી છે.

