હવામાન@ગુજરાત: ઠંડીના ચમકારા સાથે બેવડી ઋતુનો અહેસાસ, મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયામાં સૌથી ઓછું 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 15.1ડિગ્રી, ગાંધીનગરમાં 14.3 ડિગ્રી, ડીસામાં 11.1 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી, પાલનપુરમાં 12.6 ડિગ્રી, રાજકોટમાં 13.2 ડિગ્રી,મહેસાણામાં 13.5 ડિગ્રી, વડોદરામાં 14.5 ડિગ્રી, ભાવનગરમાં 16.2 ડિગ્રી, દ્વારકામાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજયમાં હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા નહિવત છે. અગાઉ માવઠું થવાની અપાઈ હતી આગાહી. 2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી, અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.