હવામાન@ગુજરાત: તાપમાનનો પારો ગગડતાં ગુલાબી ઠંડીનો અહેસાસ, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે

 
હવામાન
લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં, વહેલી સવાર અને મોડી રાત્રે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોના કારણે આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે.તાજેતરમાં કમોસમી વરસાદના માહોલ બાદ હવે વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન હજી પણ ગરમીનો અહેસાસ કરાવે છે, પરંતુ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં જ ઠંડીનું જોર વધ્યું છે. જેના કારણે દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન આશરે 33° સે ની આસપાસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 23° સે ની આસપાસ રહ્યું હતું. કચ્છના 'કાશ્મીર' ગણાતા નલિયામાં લઘુત્તમ તાપમાન 21° સે નોંધાયું હતું, જેણે ઠંડીના માહોલની શરૂઆત કરી દીધી છે. ભુજમાં મહત્તમ તાપમાન 32° સે રહ્યું હતું. રાજકોટમાં મહત્તમ તાપમાન 35° સે. અને લઘુત્તમ તાપમાન 20° સે. નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના મતે, રાજ્યમાંથી હવે વરસાદની સિસ્ટમ વિદાય લઈ રહી છે, અને તેથી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ બદલાવના કારણે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના પરિણામે ઠંડીનું જોર વધશે.