હવામાન@ગુજરાત: સૌરાષ્ટ્રમાં છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય, અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. શહેરોમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ પરંતુ આ ધુમ્મસ વાહનચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું.છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી છે.
નલિયાને પાછળ છોડીને અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયુ છે, જ્યારે ગાંધીનગર 12.8 ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું છે. રાજકોટમાં 13.3 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે યથાવત્ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારા દિવસોમાં તાપમાનમાં થોડીઘણી વધઘટ જોવા મળી શકે છે.
હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ મંદ પડી હતી. વાહનચાલકોને દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. અમરેલી જિલ્લામાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબલિટીમાં ભારે ઘટાડો જોવાં મળતાં રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. પરિણામે વાહન ચાલકોએ પણ સવાર સવારમાં વાહનોની લાઈટો ચાલુ કરવા છતાં પણ રસ્તા પર કંઈ જ ના દેખાતું ના હોય તેવી ગાઢ ધુમ્મસની ચાદરો છવાઈ હતી.
અમરેલીમાં સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા શહેરીજનોએ અમરેલીના ઠેબી ડેમ ઉપર કાશ્મીર જેવો આહલાદક વાતાવરણ જોવા મળતા સિનિયર સિટિઝન તથા યુવકોએ આનંદનો અહેસાસ કરતાં ખુશખુશાલ જોવા મળતા હતા.ભાવનગરમાં 14 કી.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયોફૂંકાયો.ગોહિલવાડ પંથકમાં આજે દિવસ પર ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાળ થઈ ગયું હતું આજે રવિવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59 ટકા હતું. જ્યારે પવનની ઝડપ 14 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

