હવામાન@ગુજરાત: ચાલુ સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોંચ્યો, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં જાન્યુઆરીની શરૂઆત થતાની સાથે જ શિયાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં પવનોની દિશામાં થયેલા ફેરફારને કારણે ઠંડીનો પારો ગગડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર લઘુતમ તાપમાન 7 ડિગ્રી સુધી પહોંચતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં લોકો ઠૂંઠવાયા છે.રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 7 ડિગ્રી આસપાસ નોંધાયું છે. રાજકોટમાં પણ પારો ગગડીને 9.4 ડિગ્રી પર સ્થિર થયો છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, અમદાવાદમાં 14.1 ડિગ્રી, ડીસામાં 11.1 ડિગ્રી, ભુજ અને પોરબંદરમાં 11.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમા 11.0 ડિગ્રી, ભાવનગરમાં 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનું જોર વધશે. આ શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. વહેલી સવારે અને મોડી રાત્રે પવનોના કારણે ઠંડીનો ચમકારો વધુ વર્તાશે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 જાન્યુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો નજીવો વધારો થવાની શક્યતા છે, જેનાથી લોકોને કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે.

