હવામાન@ગુજરાત: આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? જાણો

 
વરસાદ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘ મહેર જોવા મળશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. વરસાદની સાથે સાથે રાજ્યમાં 15 થી 20 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પૂર્વ વ્યાપી વિસ્તારો જેવા કે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છેછજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘ મહેર જોવા મળશે. સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે. પવનની ગતિ વધુ રહેવાની હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વાવણી લાયક વરસાદ થવાથી ખેતીને મોટો ફાયદો થશે.