હવામાન@ગુજરાત: ગરમીમાંથી મળશે રાહત! ફરી વરસાદી ઝાપટાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

 
હવામાન
નવરાત્રીમાં પણ સિસ્ટમ બનવાથી વરસાદની શક્યતા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સિઝનના અંતમાં દેશના અમુક વિસ્તારોમાં વરસાદ સક્રિય છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, 'રાજ્યમાં હાલ ગરમી પડી રહી છે, ત્યારે 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડશે. જેમાં ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 'બંગાળનો ઉપસાગર 22 સપ્ટેમ્બરથી સક્રિય થવાથી 27થી 29 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે.

જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે 28 સપ્ટેમ્બરે નવી વરસાદી સિસ્ટમ બનવાથી બંગાળમાં વાવાઝોડું સર્જાશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. નવરાત્રીમાં પણ સિસ્ટમ બનવાથી વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે, 'શરદ પૂનમ બાદ પણ વરસાદી ઝાપટા થઈ શકે છે. આ ઉપરાંત, અલ નીનોની અસરથી 3 ડિસેમ્બર પછી ઠંડીની સિઝનની શરુઆત થઈ શકે છે, જેમાં 22 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે.'