હવામાન@ગુજરાત: રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટતાં ગરમી અને ઉકળાટનો અનુભવ, જાણો આજે ક્યાં પડશે વરસાદ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની સાથે અનેક શહેરોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહી શકે છે. 26 સપ્ટેમ્બર 2026ના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા ઓછી છે અને વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે.27થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે.પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમયગાળામાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.1 ઓક્ટોબરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી.26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાંથી ચોમાસું વધુ આગળ વિદાય લઈ શકે છે. તેના કારણે ગરમી અને બફારામાં વધારો થઈ શકે છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી અથવા તેનાથી વધુ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ સાથે મહત્તમ 36 અને લઘુત્તમ 26 ડિગ્રી તાપમાન રહી શકે છે. રાજકોટમાં મહત્તમ 36 અને લઘુત્તમ 24 ડિગ્રી, સુરતમાં મહત્તમ 32 અને લઘુત્તમ 26 ડિગ્રી, જ્યારે વડોદરામાં મહત્તમ 34 અને લઘુત્તમ 25 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે.

