હવામાન@ગુજરાત: આજથી ગરમીનું જોર વધશે, પવનની દિશા બદલાતા બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચુ જશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ગુજરાતમાં હાલ પૂરતું વરસાદનું સંકટ ટળ્યું છે. અને આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તેવી આગાહી સામે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં આવતા સપ્તાહથી પલટો આવવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.
રાજકોટ, કેશોદ, પોરબંદર, કંડલામાં 37 ડિગ્રી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને અમરેલીમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાંતોના કહ્યા મુજબ માર્ચ અંતમાં પશ્ચિમ વિક્ષેપના લીધે કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે અને 4 થી 8 એપ્રિલમાં ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે અને 26 માર્ચથી ગુજરાતના મોટા ભાગમાં પવ ની ગતિ વધશે અને કમોસમી વરસાદની શકયતા રહેલી છે.માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહયા છે. ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહયા છે.1

