હવામાન@ગુજરાત: ઉનાળા પહેલાં જ ગરમીનો પ્રકોપ શરૂ, મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતની ધરતી પર સૂર્યદેવ જાણે આગાહી કર્યા વગર જ તપવા લાગ્યા હોય એવું દ્રશ્ય સર્જાયું છે. ફાગણના મીઠા પવને હજી પૂરેપૂરી વિદાય પણ નથી લીધી, ત્યાં જ ગરમીનો તાપ માણસને છાંયો શોધવા મજબૂર કરી રહ્યો છે. અત્યારથી જ આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં પારો 30 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે અને લોકો હવે સવારથી જ ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. રસ્તાઓ પર બપોરના સમયે જાણે શાંતિ છવાઈ જાય છે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ધૂપની ચમક અને ગરમ હવાની લહેરો દેખાય છે.
દક્ષિણ ગુજરાતનું સુરત હાલમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે. સૌરાષ્ટ્રનું હૃદય ગણાતું રાજકોટ પણ 35.1 ડિગ્રી સુધી તપ્યું છે. વડોદરામાં 34.4 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 34.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતનું ડીસા 33.8 ડિગ્રી પર પહોંચ્યું છે, તો મહાનગર અમદાવાદમાં 32.7 ડિગ્રી તાપમાન લોકોએ અનુભવ્યું. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 32.5 ડિગ્રી અને દરિયાકાંઠાના ભાવનગરમાં 32 ડિગ્રી નોંધાયું છે.
સમુદ્રકિનારાના પોરબંદરમાં 32.4 ડિગ્રી અને ધર્મનગરી દ્વારકામાં 30.5 ડિગ્રી તાપમાન દર્શાવે છે કે દરિયાની ઠંડક પણ હવે ગરમી સામે થોડી નબળી પડી રહી છે.આ તમામ આંકડાઓ એક જ સંદેશ આપે છે ઉનાળો આ વર્ષે સમય પહેલાં જ આવી ગયો છે. સવારની ઠંડક હવે ક્ષણિક બની રહી છે અને બપોરની ધૂપ વધુ કઠોર બનતી જાય છે. લોકો હવે ઠંડા પીણાં, છાંયો અને પંખા-એસીની શોધમાં લાગી ગયા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે, આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા છે.

