હવામાન@ગુજરાત: રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો, અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર

 
તાપમાન
લોકોને તીવ્ર ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં 43 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી 5થી 7 દિવસ સુધી ગરમી અને ભેજનું પ્રમાણ વધુ વધશે, જેના કારણે લોકોને માત્ર સૂકી ગરમી જ નહીં, પરંતુ અસહ્ય ઉકળાટનો અનુભવ થશે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે.

અમદાવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. કંડલામાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી અને રાજકોટમાં 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ડીસામાં 41.4 ડિગ્રી, ભુજમાં 40.8 ડિગ્રી જ્યારે વડોદરા અને ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બીજી તરફ સુરતમાં તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હોવા છતાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં આંતરિક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40થી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ તે 45°C સુધી પણ પહોંચી શકે છે.