હવામાન@ગુજરાત: 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; અંબાલાલ પટેલની મોટી આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે, પરંતુ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ ઓછી છે. બીજી તરફ, ભારતીય હવામાન વિભાગે આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, આસામ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે.
વરસાદ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવા સહિતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના માછીમારોને ખરાબ હવામાન દરમિયાન દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવાયું છે.
ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને રાજ્યમાં ચાર જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં હાલ કોઈ શક્તિશાળી સિસ્ટમ જોવા મળી રહી નથી. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે.રાજ્યમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા હોવાથી વરસાદ વચ્ચે પણ લોકોને ગરમી, બફારો અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં હજુ સરેરાશ 15 ટકા વરસાદની ઘટ છે. તેથી આગામી દિવસોમાં થનારો હળવો વરસાદ આ ખાધ પૂરી કરવા માટે પૂરતો સાબિત થાય તેવી શક્યતા છે. ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી.ઉમરપાડામાં સૌથી વધુ 0.59 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અરેઠમાં 0.24 ઇંચ, સાગબારામાં 0.16 ઇંચ અને રાજુલામાં 0.12 ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના અનુમાન મુજબ 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને આશરે 3 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં હળવાથી લઈને 3થી 4 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

