હવામાન@ગુજરાત: આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, ક્યાં-ક્યાં પડશે? જાણો
દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું આજે રેડ એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યુ છે. ગઇકાલથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલે રાજ્યમાં કુલ 181 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતુ. હવે આજે પણ ફરી એકવાર 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહી પ્રમાણે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આશંકા સેવાઇ રહી છે, આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. આજે વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ડાંગ, નવસારી, ભાવનગરમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, વડોદરામાં આજે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે, અમદાવાદ, આણંદ, અમરેલી, તાપી, ભરૂચ, નર્મદામાં આજે યેલો એલર્ટ અપાયુ છે.
આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આજે વરસાદની આગાહી કરી છે, આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે. આજે અમદાવાદ, મધ્ય ગુજરાત, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ અનુસાર, આગામી નવરાત્રિની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ પડશે. શરદ પૂનમના દિવસે પણ વરસાદી માહોલ રહેશે. આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે અને 5થી 10 ઈંચ વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે.