હવામાન@ગુજરાત: અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આ તારીખે માવઠાની આગાહી

 
હવામાન

માવઠાની આગાહીને પગલે ખેડૂતો અને લગ્ન લેનારાઓમાં ચિંતા વ્યાપી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલ રાજ્યમાં ઠંડીમાં ધટાડો જોવા મળી રહ્યો છે. માત્ર વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેમજ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે રાજયમાં હવે કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. મહત્ત્વનું છે કે એક તરફ લગ્નની મોસમ જામી છે ત્યારે બીજી તરફ વરસાદની આગાહીથી લગ્ન લેનારા લોકો ચિંતામાં મૂકાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 30 જાન્યુઆરી બાદ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ શકે છે. જેમાં 31 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી દરમિયાન પારો 10 ડિગ્રીથી નીચે ગગડે તેવી સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવતાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં ૩ ફેબ્રુઆરીના 40 ટકા વરસાદની સંભાવના છે જ્યારે ચોથી ફેબ્રુઆરીના 55ટકા જેટલી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સાયક્લોન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે કમોસમી માવઠાની આગાહીને પગલે ખેડૂતો અને લગ્ન લેનારાઓમાં ચિંતા વ્યાપી છે.ગઈ કાલે અમદાવાદમાં ઠંડા પવન ફૂંકાતા દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આ દરમિયાન 13કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. ગઈ કાલ રાત્રે અમદાવાદનું સરેરાશ મહત્તમ 27.4જ્યારે ગત રાત્રિના સરેરાશ લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું હતું.