હવામાન@ગુજરાત: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી

 
વરસાદ
મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સતર્ક બન્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ અને વાદળોની ગર્જના સાથે વરસાદ વરસી શકે છે. વરસાદને કારણે ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળવાની શક્યતા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે તંત્ર દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને છોટાઉદેપુરમાં વરસાદનું જોર વધી શકે છે. આ ઉપરાંત દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.આણંદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં શહેરના અનેક નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકો અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.