હવામાન@ગુજરાત: 19 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

 
વરસાદ
ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નૈઋત્યના ચોમાસાએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીથી તબાહી મચાવી દીધી છે. હવે આ બધાની વચ્ચે આજે પણ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. આજે રાજ્યમાં 19 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 14 જિલ્લામાં યલો એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે 3જી જુલાઇએ રાજ્યમાં 13 જિલ્લાને યલો એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. વઘઈ તાલુકાના ગામોમાં નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. ઝાવડા, ડુંગરડા, ભેંસકાતરી, માછળી ખાતર ગામમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે. અનેક ઠેકાણે નાળાઓ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે.

ડાંગ જિલ્લાના ઉપરવાસમાં વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેમાં પૂર્ણા, ગીરા, ખાપરી, અંબિકા નદીના જળસ્તર સતત વધી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં સુબીરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત સાપુતારામાં પોણા ત્રણ તો આહવામાં દોઢ ઈંચ વરસાદ અને ડાંગના વઘઈમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં છે. પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. તથા જિલ્લાની અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે.